wahi rahyo chhun kewun khalkhal joti ja - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વહી રહ્યો છું કેવું ખળખળ જોતી જા

wahi rahyo chhun kewun khalkhal joti ja

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'
વહી રહ્યો છું કેવું ખળખળ જોતી જા
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

વહી રહ્યો છું કેવું ખળખળ જોતી જા,

એકલતા કેવી છે ઝળહળ જોતી જા.

મ્હારામાં અંધાર અષાઢી ઘૂઘવતો,

ફરી હશે નહિ આવાં અંજળ જોતી જા.

પગ મૂકીશ અને આંગણ કહેવાશે,

જમીનનો ટુકડો વિહ્વળ જોતી જા.

આગળનું તો આંખો સંભાળી લેશે,

બસ એકાદી પળ તું પાછળ જોતી જા.

હમણાં ઊંચો થયો આવજો કહેવાને,

હવે હાથ સુક્કો બાવળ જોતી જા.

હોય લાકડાનો ટુકડો જાણે સૂરજ,

એમ તરાવે યાદોનું જળ જોતી જા.

તારું નામ અને મારા શ્વાસો પર,

પાંદડીએ પાંદડીએ ઝાકળ જોતી જા.

મારી એકલતાને અઢળક નામ અહીં,

મિસ્કીન દંતકથાનું છે સ્થળ જોતી જા.

સ્રોત

  • પુસ્તક : બેસ્ટ ઑફ મિસ્કીન (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013