thay chhe - Ghazals | RekhtaGujarati

ઝાડ પ્હેલાં મૂળથી છેદાય છે,

પછીથી બારણું થઈ જાય છે.

ગગનચુંબી ઘરો સર્જાય છે,

આભ તો પંખીનું ઓછું થાય છે.

એમને તું કેમ છત્રી મોકલે?

જે અહીંયા જાણીને ભીંજાય છે.

સ્વપ્ન જેવું હોય શું બાળને?

ડાળે જેનું ઘોડિયું બંધાય છે.

કોઈને પથ્થર હ્રદય કહેશો નહીં,

આંસુ પથ્થરના ઝરણ કહેવાય છે.

એકલાં આવ્યાં જવાનાં એકલાં

પણ અહીં ક્યાં એકલાં જીવાય છે?

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008