sad paDe manhyli deri mane - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાદ પાડે માંહ્યલી દેરી મને

sad paDe manhyli deri mane

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'
સાદ પાડે માંહ્યલી દેરી મને
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

સાદ પાડે માંહ્યલી દેરી મને,

આમ ઊભો થઉં છું ખંખેરી મને.

એક વળગણ એમ કૈં છૂટી ગયું,

કોઈ પ્હેરણ જેમ લઉં પહેરી મને.

દોડતી દેખાય મારામાં સતત,

બાળપણથી શોધતી શેરી મને.

વાદળાં જેવું દુઃખ કાળું છતાં

કોર દેખાઈ છે રૂપેરી મને.

જાત ઢંઢોળ્યા કરું છું હરવખત,

ઊંઘ ગઈ છે એમ ભંભેરી મને.

ઉકલ્યો તો ઉકલ્યા સાતે જનમ,

કોઈ દેખાતું નથી વેરી મને.

ક્યાંય ના લાગું મને હું એકલો,

કોણ ઊભું હોય છે ઘેરી મને?

સ્રોત

  • પુસ્તક : બેસ્ટ ઑફ મિસ્કીન (પૃષ્ઠ ક્રમાંક 79)
  • સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013