kyanya pan dhummas nathi jhakal nathi - Ghazals | RekhtaGujarati

ક્યાંય પણ ધુમ્મસ નથી ઝાકળ નથી

kyanya pan dhummas nathi jhakal nathi

એસ. એસ. રાહી એસ. એસ. રાહી
ક્યાંય પણ ધુમ્મસ નથી ઝાકળ નથી
એસ. એસ. રાહી

ક્યાંય પણ ધુમ્મસ નથી ઝાકળ નથી

ચોતરફ નિઃસ્તબ્ધતાનું રાજ છે

ને ગગનમાં એક પણ વાદળ નથી.

સાંત્વન માટે અહીં મૃગજળ નથી

ઊંટ દાઝી જાય એવી રેત છે

કાફલા પાસે શરાબી છળ નથી.

ફીણ છે બસ ફીણ, વડવાનળ નથી

ખારવાઓ તે છતાં ભયભીત છે

ને કહે છે બાવડામાં બળ નથી.

આંખ કોરીધબ્બ છે કાજળ નથી

છાતીએ છે નીલવર્ણાં છૂંદણાં

પણ હથેળીમાં તે એકે સળ નથી.

માંડવો બંધાય એવું સ્થળ નથી

લાલ સાફો ક્યારનો ઊભો છે

બેય ખાલી હાથ છે, શ્રીફળ નથી.

વેદનાથી મુક્ત એવી પળ નથી

માછલાં સારે છે આંસુ કેમ કે

આજ દમયંતીની સાથે નળ નથી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-3 (પૃષ્ઠ ક્રમાંક 193)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981