ek thijela sarowarni katha sambhal - Ghazals | RekhtaGujarati

એક થીજેલા સરોવરની કથા સાંભળ

ek thijela sarowarni katha sambhal

જાતુષ જોશી જાતુષ જોશી
એક થીજેલા સરોવરની કથા સાંભળ
જાતુષ જોશી

એક થીજેલા સરોવરની કથા સાંભળ,

પછી મન ‘હા’ કહે તો તુંય બનજે જળ.

બધું અંધારનુ ષડ્યંત્ર લાગે છે,

વિના હોતી હશે કૈં આટલી ઝળહળ?

સૂર્યનું છેલ્લું કિરણ ત્યાં ઘાસમાં પેઠું,

ને સવારે ઘાસ પર સૂતું હતું ઝાકળ!

કોઈ બારી બ્હારનાં દૃશ્યો નિહાળે છે,

કોઈ દૃશ્યો વિષે કરતું રહે અટકળ.

મેં નદીને જીવવાની રીત પૂછી’તી,

કશું બોલી નહીં, વ્હેતી રહી ખળખળ.

સ્રોત

  • પુસ્તક : પશ્યંતીની પેલે પાર (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : જાતુષ જોશી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2011