ek tarasya haranrupe - Ghazals | RekhtaGujarati

એક તરસ્યા હરણરૂપે

ek tarasya haranrupe

ગની દહીંવાલા ગની દહીંવાલા
એક તરસ્યા હરણરૂપે
ગની દહીંવાલા

તમે હાજર હતાં એકાંતમાં વાતાવરણરૂપે,

સુખદ શ્વાસો સમય દેતો હતો એકેક ક્ષણરૂપે

રુદનનું ઘડી આતિથ્ય સ્વીકાર્યું છે આનંદે,

નિમત્રંણ છે તમોને પણ, પધારો સંસ્મરણરૂપે

દિવસ ધોળા કરે છે યાદ જ્યારે શ્યામ રજનીને,

તો આવી રહે છે મારા મનની મૂંઝવણરૂપે.

વલખતા વિશ્વના વલખાટનું હું મધ્યબિન્દુ છું;

પડ્યો છું એના હૈયામાં વહેતા કોઈ વ્રણરૂપે,

મૂકી છે દોટ બન્નેએ, હવે જે થાય તે સાચું:

જમાનો ઝાંઝવાંરૂપે, અમે તરસ્યા હરણરૂપે.

અમે પણ કંઈ હકીકતરૂપ વાંચી છે વસંતોને;

દીઠાં છે ઓસબિન્દુ પાન ઉપર અવતરણરૂપે.

‘ગની’ ગૂંગળામણ છે કોઇ મૂગાની વાચાસમ,

પ્રગટશે કોઈ દિવસ, કોઈમાં પણ કોઈપણ રૂપે.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981