ek sinemetik gajhal - Ghazals | RekhtaGujarati

એક સિનેમેટિક ગઝલ

ek sinemetik gajhal

નયન હ. દેસાઈ નયન હ. દેસાઈ
એક સિનેમેટિક ગઝલ
નયન હ. દેસાઈ

દૂર હોડી, ગીત ધીમું, સહેજ કૅમેરા ફરે,

ક્લોઝ-અપ સંવાદ સૌ કાંઠા ઉપર પાછા ફરે.

આંગળીઓ ટૅપની સ્વીચ પર અને ધીમી તરજ,

ફીણ ઊછળે ગ્લાસમાં ને મેક-અપ ફેરા ફરે.

કાગડાનાં ઝુંડ આકાશે ઊડે બે ચાર ક્ષણ,

‘બદ્તમીઝ’ કહેતા વિલનની આંખમાં ભાલા ફરે.

હોજમાં લીસ્સી ચળકતી ચામડી ને શોર્ટ સીન,

સીન ઉપર ભૂખ્યા સમયના તીક્ષ્ણ કૂંડાળાં ફરે.

લોન્ગ, સીન, ગાડી ઊભી હાંફે હિરોઈનનું રુદન;

એક ભાડૂતી કુલીની છાતી પર પાટા ફરે.

ક્લોઝ-અપ સંવાદ સૌ કાંઠાથી જાણે દૂર દૂર;

દૂર હોડી ગીત ધીમું સહેજ કૅમેરા ફરે.

સ્રોત

  • પુસ્તક : મુકામ પોસ્ટ માણસ
  • સર્જક : નયન દેસાઈ
  • પ્રકાશક : તન્વી પ્રકાશન