ek raja hato - Ghazals | RekhtaGujarati

એક રાજા હતો

ek raja hato

અરવિંદ ભટ્ટ અરવિંદ ભટ્ટ
એક રાજા હતો
અરવિંદ ભટ્ટ

વાત વર્ષોની જર્જર પુરાણી હતી એક રાજા હતો એક રાણી હતી

સાવ ઈતિહાસથી યે અજાણી હતી એક રાજા હતો એક રાણી હતી

મેં અમસ્થી લખેલી કથાનાં સહુ પાત્ર સાચાં મળે છે તો હું શું કરું?

કોના હોવાની ઘટના કહાણી હતી? એક રાજા હતો એક રાણી હતી

એક અવસ્થા હતી, ફૂલ-કન્યા હતી, તીરની સાથે છોડેલ ચિઠ્ઠી હતી

ઊડતી એક ઘોડી પલાણી હતી, એક રાજા હતો એક રાણી હતી

કે ઝઝુમ્યું હતું કોણ છેવટ સુધી શેર માટીના સપનાંની સામે સતત

કોની વંશાવલી ધૂળધાણી હતી? એક રાજા હતો એક રાણી હતી

શાપ લાગ્યો હતો એક પળનો અને યુગ પથ્થર થઈ ને વીતાવ્યા હતા

તોય વરદાન જેવી વાણી હતી એક રાજા હતો એક રાણી હતી

સ્રોત

  • પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1983