ek gajhal kakkani - Ghazals | RekhtaGujarati

એક ગઝલ કક્કાની

ek gajhal kakkani

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
એક ગઝલ કક્કાની
આદિલ મન્સૂરી

ક બહુ લિસ્સો હતો લપસી ગયો,

ખના પગમાં ખોડ તે મોડો પડ્યો.

ગના બે કટકા છતાં સાથે રહ્યા,

ઘનું મોઢું બંઘ; ગૂંગળાઈ મર્યો.

ચ બગાસાં ખાય છે તે જોઈને,

છને આવી છીંક 2 3 4 6.

જનો હાથ ઊંચો થયો સત્કારમાં,

ઝએ લાંબા થૈને ઝટ ઝાલી લીધો.

ટ બહુ ચંચળ ઊછળતો કૂદતો

લપસ્યો પછડાયો ને ઠ ડ ઢ થયો.

ગ જતો’તો રમવા સંતાકૂકડી,

હાથ દૈ રોક્યો તે ગનો ણ થયો.

ત હતો તૈયાર કૂદકો મારવા,

થએ કાઢી આંખ તો થીજી ગયો.

દને પગ નહોતા કે ઊભો રહી શકે,

લૈને ટેકણલાકડી ધ થૈ ગયો.

નને વાંકી પૂંછડી નડતી રહી,

પએ વીંઝી પાંખ પીંખાઈ ગયો.

કને ઊગી પૂંછડી કહેવાયો ફ,

બના પેટે ગાંઠ તે રડતો રહ્યો.

ભ ફરે છે સૂંઢને ડોલાવતો,

સૂંઢ તૂટી ગૈ તો ભનો મ થયો.

ય ફૂલેલા પેટથી શરમાય ને,

રને દુર્બળ દેરને ચે વસવસો.

લ લડે છે ઢાલ ને તરવાર લૈ,

વને લાગી બીક તે નાસી ગયો.

શ ને ષ સ ત્રણે સગ્ગા ભાઈઓ,

ચોથો ભાઈ હ જે પિત્રાઈ હતો.

ળ ક્ષ ને જ્ઞ રહી ’ગ્યા એકલા,

આમ આ કક્કો અહીં પૂરો થયો.

સ્રોત

  • પુસ્તક : મળે ન મળે (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1996