ek din hato ek pal hati - Nazms | RekhtaGujarati

એક દિન હતો એક પળ હતી

ek din hato ek pal hati

કરસનદાસ માણેક કરસનદાસ માણેક
એક દિન હતો એક પળ હતી
કરસનદાસ માણેક

એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,

ને પ્રાણના ઉપવન વિષે ઊર્મિ-નદી ખળખળ હતી.

ને જે પરાયાં થઈ પડ્યાં'તાં દૂરની ભૂમિ પરે,

રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી!

એક દિન હતો, એક પળ હતી!

બોલતી’તી બુલબુલો ને ડોલતી’તી મંજરી,

ખોલતી’તી દિલનાં બીડેલાં દુવારો ખંજરી:

પાનપાને ગાનગાને નર્તને ભ્રમણે પ્રણય,

લહેરથી લૂંટાવતો આંનદની રસ –પંજરી!

એક દિન હતો, એક પળ હતી!

એક સર હતું, સુંદર હતું, જેમાં કમલ મનહર હતું,

ને કમલના દલ સમું જેનું હૃદય મુદભર હતું :

મુદભરેલા ઉર-તલે જલતી હતી કો ઝંખના,

ને ઝંખનાના ઘેનથી માતેલ જોબન તર હતું!

એક દિન હતો, એક પળ હતી!

એવે સમે જોવા સમું ને જાતને ખોવા સમું,

ને રોઈ-રોઈને રડાવી આંસુઓ લહોવા સમું;

કૈં કૈં હતું : બહારે હતું, ભીતર હતું : રસભર હતું,

સંસારથી થાકેલ ઉરને થાકને ધોવા સમું!

એક દિન હતો, એક પળ હતી!

જોવા સમું તે દિ' હતું : આંખો હતી, પાંખો હતી,

સૂરમો હતો, સુરખી હતી, ટીકો હતો, ટીલડી હતી,

નર્તન હતું, ઊર્મિ હતી, લટકો હતો, લીલા હતી:

એવે સમે બેઠો રહ્યો જલતો વૃથા સંશય-દવેઃ

આંખો ઉઘાડો કે મીંચો છે બેય સરખું હવે!

એક દિન હતો, એક પળ હતી!

તે દિન ગયો ને પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,

તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ,

યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું.

નર્તન ગયું, કીર્તન ગયું, બાકી હવે ક્રન્દન રહ્યું!

ખૂણે છૂપો, ઝૂલે હીંચો : બેય છે સરખું હવે :

આંખો ઉઘાડો કે મીંચો, છે બેય સરખું હવે!

એક દિન હતો, એક પળ હતી!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4