e samayni wat - Ghazals | RekhtaGujarati

એ સમયની વાત

e samayni wat

લલિત ત્રિવેદી લલિત ત્રિવેદી
એ સમયની વાત
લલિત ત્રિવેદી

ન કાયનાત હતી એ સમયની વાત કહું

ન કુછ હયાત હતી એ સમયની વાત કહું

ન રાત રાત હતી એ સમયની વાત કહું

દીવો ન બાત હતી એ સમયની વાત કહું

હતો ન સૂર્ય કે શિર પર ન કોઈ આભ હતું

ક્ષણો મહાત હતી. એ સમયની વાત કહું

ન એટલે જ તરજુમો થયો સમીપતાનો

તું આત્મસાત્ હતી એ સમયની વાત કહું

ફૂલો પતંગિયાંને પ્હેલી વાર મળતાં હતાં

ટશર બિછાત હતી. એ સમયની વાત કહું

નહીં તો તું જ સ્વયમ્ ફૂલ...ખુશ્બ...ઋતુઓ હતી

તું તો અજ્ઞાત હતી એ સમયની વાત કહું

પવન કળીને મળે એવો થનગનાટ હતો

તું તિલસ્માત હતી એ સમયની વાત કહું

ન લેખાંજોખાં હતાં કે ન તાણાંવાણાં હતાં

ન જરૂરિયાત હતી એ સમયની વાત કહું

તું યાદ કર જરા કે એક તું ને હું જ હતાં

ખુદા! ન જાત હતી એ સમયની વાત કહું

સ્રોત

  • પુસ્તક : બેઠો છું તણખલા પર (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : લલિત ત્રિવેદી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2018