e koi rite aa astitw ranman rakhe chhe - Ghazals | RekhtaGujarati

એ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છે

e koi rite aa astitw ranman rakhe chhe

હનીફ સાહિલ હનીફ સાહિલ
એ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છે
હનીફ સાહિલ

એ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છે,

સતત એ દોડતો મુજને હરણમાં રાખે છે.

ન તો સંબંધમાં, સંદર્ભમાં કે ઘટનામાં,

સતત અભાવના વાતાવરણમાં રાખે છે.

સમયની જેમ વહેંચે અનેક હિસ્સામાં,

કદી સદીમાં, કદી ક્ષણ વરણમાં રાખે છે.

એ પાસ રાખે છે મુજનેય દૂર રાખીને,

ઉપેક્ષામાંય પરંતુ શરણમાં રાખે છે.

કદી એ આપે તરસમાંહે તડપવાની સજા,

કદી એ નીરથી ખળખળ ઝરણમાં રાખે છે.

ન ખુલ્લી આંખમાં રાખે ન બંધ આંખોમાં,

છતાંય રાતદિવસ એ સ્મરણમાં રાખે છે.

‘હનીફ’ એથી તગઝઝુલ છે તારી ગઝલોમાં,

કૃપા છે એની, એ તુજને ચરણમાં રાખે છે.

સ્રોત

  • પુસ્તક : ગુફ્તગૂ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : હનીફ સાહિલ
  • પ્રકાશક : ધબક પ્રકાશન
  • વર્ષ : 2000