e ghar nathi ke thay junan gabDan paDe - Ghazals | RekhtaGujarati

એ ઘર નથી કે થાય જૂનાં ગાબડાં પડે

e ghar nathi ke thay junan gabDan paDe

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'
એ ઘર નથી કે થાય જૂનાં ગાબડાં પડે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

એ ઘર નથી કે થાય જૂનાં ગાબડાં પડે,

સપનાંઓ તો હજૂય ઊભાં છે કડેધડે.

મૂંગાના સ્વપ્ન જેવું છે અજવાળું લોહીમાં,

મારામાં કોઈ બારણાની જેમ ઊઘડે.

ન જાણે કેમ? કોઈ ચરણમાં ઢળી પડું,

બળ તો હજુય એ જ ભર્યું છે આ બાવડે.

હા નામ ગઝલ, ધર્મ ગઝલ જાતિ પણ ગઝલ,

અમને ગઝલ સિવાય કશું પણ ન આવડે.

કહેજો કમાય છે હવે રાજેશ જા ઘરે,

એ ભૂખ્યો, તરસ્યો રાજીયો જો કોઈને જડે.

રસપ્રદ તથ્યો

(કવિની નોંધ : નામ ગઝલ .. શેર આદિલ મન્સૂરીના એક શેરની યાદમાં)

સ્રોત

  • પુસ્તક : બેસ્ટ ઑફ મિસ્કીન (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013