dushkal - Ghazals | RekhtaGujarati

શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,

વરસ્યો'તો ધોધમાર, ફસલ એક કણ નથી!

પેલું કબૂતરુંય હવે તો આવતું;

સાચે ચબૂતરે રોવાય ચણ નથી!

રણ તો હવે ગલીગલી મહીં ઘૂસી ગયું,

ગોરજ ઊડે છતાંય અહીં કોઈ ધણ નથી!

લાશોને ચાલતી લહું શહેરો મહીં કદી,

કબરોમાં શમે ફક્ત કંઈ મરણ નથી!

આવીને કોઈ બેસતું વેરાનમાં એકલ,

હું જોઉં તેની સાથમાં વેરાન પણ નથી!

એવીય હશે વાત જે સમજાય ના કદી,

એવી અગમ્ય વાત છતાં એક પણ નથી.

ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’,

શબ્દોના સૂર્યમાં હવે એકે કિરણ નથી!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 189)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004