મેં હજારો હા કહી છે એક તારી હા નહીં
me hajaaro haa kahii chhe ek taarii haa nahiin
શયદા
Shayada

મેં હજારો હા કહી છે એક તારી હા નહીં;
હા નહીં તો કંઈ નહીં એ તો કહે કે ના નહીં?
શું કરું? થાકી ગયો, સમજાવતાં સમજે નહીં;
મેં કહ્યું લાખો વખત દિલને કે ત્યાં તું જા નહીં!
આ રહ્યું દિલ, પ્રાણ છે આ, ચ્હાય તે લઈ લે ભલે;
હઠ નકામી શું કરે છે, આ નહીં ને આ નહીં!
બેસ હેઠી બેસ, મારા હોઠ પર કે શ્વાસ પર;
પ્રાણ સાથે આવશે મુજ, એકલી તું જા નહીં.
એક સરખા શબ્દ બન્નેને મળ્યા છે ભાગ્યમાં;
મારે કાજે 'હા નહીં' એને કાજે 'ના' નહીં.
ખુશનસીબી જાણતે જો એમ પણ કીધું હતે-
વિશ્વ આવે તો ભલે પણ એક આ 'શયદા' નહીં.



સ્રોત
- પુસ્તક : ચૂંટેલી ગઝલો : હરજી લવજી દામાણી 'શયદા' (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : સંજુ વાળા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2022