sukhadukha chhe manni patiye, jagya jaray nahi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુખદુઃખ છે મનની પાટીએ, જગ્યા જરાય નહિ

sukhadukha chhe manni patiye, jagya jaray nahi

હેમેન શાહ હેમેન શાહ
સુખદુઃખ છે મનની પાટીએ, જગ્યા જરાય નહિ
હેમેન શાહ

સુખદુઃખ છે મનની પાટીએ, જગ્યા જરાય નહિ,

ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહિ.

દાવા-દલીલ માટે જરૂરી છે બારીકી,

મોટેથી બોલશો તો કંઈ પુરવાર થાય નહિ.

તરતું મૂકી લખાણ, ખસી જાવ બાજુએ,

કાગળની હોડીને કદી ધક્કા મરાય નહિ.

માપી, ગણી શકો બધું કામનું નથી,

જો છે મહત્ત્વનું તો તોળી શકાય નહિ.

નાનું જરાક રાખો અનુસ્વાર ‘હું’ ઉપર,

આખો વખત વજનને ઉઠાવી ફરાય નહિ.

અંતે ખરી જવાનીયે તાકાત જોઈએ.

પ્હેરો સુગંધ એટલે ફૂલો થવાય નહિ.

સ્રોત

  • પુસ્તક : આખરે ઊકલ્યા જો અક્ષર (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : હેમેન શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2012