રંગ ગહેરા, ‘ને વળી સાચા હજો
rang gaheraa 'ne valii saachaa hajo
મીનાક્ષી ચંદારાણા
Minaxi Chandarana

રંગ ગહેરા, ‘ને વળી સાચા હજો.
સાવ માટીના ભલે ઢાંચા હજો.
તાવણે તાવ્યા પછી મળજો ભલે,
શબ્દ ના ઊણા, ન તો કાચા હજો.
દર્દ પણ લયબદ્ધ ગઝલોમાં વહો,
ક્યાંય ના ખૂણા અને ખાંચા હજો.
શબ્દની પોઠ્યું ભરી ઘુમવું હવે,
સ્થૂળ સરસામાન પણ ટાંચા હજો.
શુભ્ર-સુંદર, લેશ આડંબર રહિત,
મૌનના પર્યાય શી વાચા હજો.



સ્રોત
- પુસ્તક : સાંજને સૂને ખૂણે (પૃષ્ઠ ક્રમાંક 56)
- સર્જક : મીનાક્ષી ચંદારાણા
- પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન
- વર્ષ : 2015