jindgi thaki - Ghazals | RekhtaGujarati

જિંદગી થકી

jindgi thaki

સગીર સગીર
જિંદગી થકી
સગીર

મુજ દિલ ખુશ થઈ નથી શકતું ખુશી થકી,

ટેવાઈ એટલું ગયું છે ગમ થકી.

એક તું કે જીવવાની તને લાલસા રહી,

એક હું કે જે ધરાઈ ગયો જિંદગી થકી.

કળીઓને તોડનાર વિચારીને તોડજે,

આશા રહે છે ફૂલ થવાની કળી થકી.

એથી ભલા વધારે હો સદભાગ્ય શું, કહો!

દુશ્મને મને નિહાળી રહ્યા લાગણી થકી.

સંતાયેલી છે મહીં દિલની કથા મહાન,

વરસાવી આંસુઓ જે રહ્યો આંખડી થકી.

એના થકી મળી ભટકવા તણી મજા,

મંજિલ ફક્ત મળી કોઈની રહબરી થકી.

થાયે છે દોસ્તી થકી દુશ્મની ‘સગીર’,

ડરતો રહું છું એટલે હું દોસ્તી થકી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1961