bataw…! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કરી શકે તો છાતીફાટ પ્રેમ તું કરી બતાવ.

કશી શરત વિના પ્રેમપ્યાલીને ભરી બતાવ.

દુઃખો ભૂલી જવાની છે સલાહ ખૂબ સારી પણ,

બની શકે તો દર્દ દેનારાને વિસ્મરી બતાવ.

પતન બની શકે ભવ્ય, જાણવું જો હોય તો,

હે તારલા તું આભથી ધરા ઉપર ખરી બતાવ.

ઉદાસીના બધા રંગ સામટા ધરી દે,

ધીમે ધીમે ઉઘાડ સાંજ, ને જરી જરી બતાવ.

નદી સમી વહુ છું હું ને સ્થિર કાંઠા જેમ તું,

પડીને મારી ભીતરે ડૂબી જા, કે તરી બતાવ.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.