એવાય માણસો લખે માણસપણાં વિશે
aevaay maanso lakhe maanaspanaan vishe
વિકી ત્રિવેદી
Vicky Trivedi

એવાય માણસો લખે માણસપણાં વિશે,
લાગે કે ફ્લેટવાળે લખ્યું આંગણાં વિશે.
પૂછો મને જો શ્રાપ વિશે તો બધું કહું,
હું કંઈ નહીં કહી શકું ઓવારણાં વિશે
તું કેવો નીકળ્યોનું કશું દુઃખ નથી મને,
બસ દુઃખ તો છે જે મેં કરી એ ધારણા વિશે.
પૂછે છે દોસ્ત કેમ મહોબ્બત વિશે મને?
કાગળને પ્રશ્ન કોણ કરે તાપણા વિશે?
બીજા જવાબ લખવા સમય નહીં બચે હવે,
પેપરમાં પહેલો પ્રશ્ન છે ખાલીપણા વિશે.
ઘર તો હંમેશાં એને રખેવાળ બોલશે,
તું આંગળીને પૂછ કદી બારણાં વિશે.
પીડા વિશે ન પૂછો મને; બસ ગઝલ જુઓ,
મૂર્તિને કોઈ પૂછે કશું ટાંકણાં વિશે?
હું એકલો છું છેક ગયા જન્મથી અને,
તું પૂછે છે આ જન્મના સંભારણાં વિશે?
એવી રીતે વિતાવ્યું હતું બાળપણ 'વિકી'
કે કંઈ જ જાણતો નથી હું પારણાં વિશે.



સ્રોત
- પુસ્તક : જાતે પ્રગટ થશે… (પૃષ્ઠ ક્રમાંક 114)
- સર્જક : વિકી ત્રિવેદી
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2024