ખબર ન્હોતી ફરી જાશે બધી આશા ઉપર પાણી
khabar nhoti fari jashe badhi aasha par pani

ખબર ન્હોતી ફરી જાશે બધી આશા ઉપર પાણી
khabar nhoti fari jashe badhi aasha par pani
ગુલામ અબ્બાસ 'નાશાદ'
Gulam Abbas 'Nashad'

ખબર ન્હોતી ફરી જાશે બધી આશા ઉપર પાણી;
-અને ચાતક હૃદય ચિત્કારશે આઠે પ્રહર પાણી.
સતત આ જિંદગીએ ત્રાસ એ રીતે ગુજાર્યો છે;
હસું છું ભૂલથી તો ફેરવી દે છે નજર પાણી.
સજા છે કે પરિક્ષા છે, નિયમ છે કે પછી અપવાદ;
નજર ચોપાસ દરિયો છે ને માંગે છે અધર પાણી.
અચાનક જળસપાટી પર તરંગોનાં કુંડાળા કેમ?
ફરીથી કોણ ડહોળે છે પ્રિયે તારા વગર પાણી!
જવાબીપત્ર તારા હાથમાં કાસિદ અને કંપન;
કહે છે હાલ તારો, તુંય લાવ્યો છે ખબર પાણી
તરસ્યું મન વિચારે છે બુઝાશે પ્યાસ શી રીતે?
નજર પાણી, ડગર પાણી, દિશા પાણી, સફર પાણી.
દુઆ ને પ્રાર્થના યોજે છે લોકો ઢોલ પીટીને;
આ મારી આંખ ભીની છે ને શોધે છે નગર પાણી.



સ્રોત
- પુસ્તક : ઉચાટ (પૃષ્ઠ ક્રમાંક 13)
- સર્જક : ગુલામ અબ્બાસ 'નાશાદ'
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1996