chibawli chhatan gami chhe gajhal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચિબાવલી છતાં ગમી છે ગઝલ

chibawli chhatan gami chhe gajhal

અદમ ટંકારવી અદમ ટંકારવી
ચિબાવલી છતાં ગમી છે ગઝલ
અદમ ટંકારવી

ચિબાવલી છતાં ગમી છે ગઝલ

કે પડોશીની છોકરી છે ગઝલ

માએ માંડેલી વારતામાંથી

ઊડી ગયેલી તે પરી છે ગઝલ

તારા પગલામાં ફૂંક મારી તો

એની અંદરથી નીકળી છે ગઝલ

હાથમાંથી ગયો પાલવ સરકી

તે પછી મુઠ્ઠીમાં બચી છે ગઝલ

છે સુખનફહેમ ગામની છોરી

નવમા ધોરણમાં ભણી છે ગઝલ

અમને દઈ ગઈ જે હાથતાળી સદા

હથેળી ઉપર લખી છે ગઝલ

શ્વાસની ટોચે લોહીને તળિયે

અમને ક્યાં ક્યાંથી જડી છે ગઝલ

કાફિયો ખેંચતા દુશાસનને

ક્યાં ખબર છે કે દ્રૌપદી છે ગઝલ

હતી તત્સમ હજી ગઈકાલ સુધી

તદ્ભવ બની ગઈ છે ગઝલ

આમ જુઓ તો બાદશાહી છે

આમ જુઓ તો ચાકરી છે ગઝલ

આંસુ માગ્યું તમે અક્ષરરૂપે

ને અમે ભેટમાં ધરી છે ગઝલ

દુનિયાદારીના છેદ ઊડી ગયા

તે પછી શેષમાં રહી છે ગઝલ

સંકોચાઈને હાઇકુ થઈ ગઈ

આજ કંઈ એટલી રૂઠી છે ગઝલ

ગાલગા ગાલગા જેવું છે કશુંક

ક્યાં હજી પૂરીપાધરી છે ગઝલ

એક મલાજાની આણ આપીને

કળિયુગમાં સાચવી છે ગઝલ

છે આપણી નિશાળ હવે

પેન પાટી ને ચોપડી છે ગઝલ

હાથમાં લઉં તો છે કરતાલ અદમ

ફૂંક મારું તો વાંસળી છે ગઝલ

સ્રોત

  • પુસ્તક : અદમ ટંકારવીની ગઝલોની ચોપડી (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997