kaya galawwi chhe - Ghazals | RekhtaGujarati

કાયા ગળાવવી છે

kaya galawwi chhe

બટુકરાય પંડ્યા બટુકરાય પંડ્યા
કાયા ગળાવવી છે
બટુકરાય પંડ્યા

સાગર કૃપા કરે તો કિશ્તી તરાવવી છે,

મઝધાર જો મળે તો નક્કી ડુબાવવી છે.

પગલાં નીચેની ધરતી જો સ્થિર રહી શકે તો,

પાયા વગર મઢુલી મનની ચણાવવી છે.

હીરાના પારખુઓ! માઠું લગાડશો મા,

પથ્થરના પારખુથી કિંમત કરાવવી છે.

બંધ બારણાની મહેફિલ વીંખાય ત્યારે,

જઈ ગેબમાં અમારે મહેફિલ જમાવવી છે.

એક આબરૂની ખાતર બેઆબરૂ બનીને,

માગી-ભીખીને એની કીર્તિ બઢાવવી છે.

એની ખુશી હશે તો સઘળું લૂંટાવી દેશું,

વળતર ભલે મળતું, દોસ્તી નભાવવી છે.

ગાઈ-બજાવી દિલથી એનું સ્મરણ કર્યે પણ,

ભુલાય વેદના તો પળભર ભુલાવવી છે.

બ્હેરા જનો જગતના જો સાંભળી શકે તો,

મૌનની વ્યથાને છેલ્લે સુણાવવી છે.

વિશ્વાસ ના રહ્યો છે તારી કસોટીમાં પણ,

સોની! જગાવ ભઠ્ઠી, કાયા ગળાવવી છે.

મોકો મળે જો છાનો ક્યાંયે ખપી જવાનો,

અલ્પ જાતને પણ પહેલી ગળાવવી છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4