aapni andar mari parwari - Ghazals | RekhtaGujarati

આપણી અંદર મરી પરવારી

aapni andar mari parwari

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
આપણી અંદર મરી પરવારી
મુકુલ ચોક્સી

આપણી અંદર મરી પરવારી ગયેલા કોઈએ,

બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઈએ.

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઈએ,

ખુલ્લી આંખોના અંધાપામાં તેને ખોઈએ.

ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,

બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઈએ.

આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ?

ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઈએ!

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,

કંઈક ઉપરવાસમાં વરસાદ જેવું જોઈએ.

ખાઈ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત!

લોહી વહે ત્યારે કાગળ વચ્ચે ધરવો જોઈએ.

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001