ronak chhe etale ke - Ghazals | RekhtaGujarati

રોનક છે એટલે કે

ronak chhe etale ke

અમર પાલનપુરી અમર પાલનપુરી
રોનક છે એટલે કે
અમર પાલનપુરી

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,

નહિતર ચૌદે લોક તો સૂનાં મકાન છે.

દીવાનગીએ હદ કરી તારા ગયા પછી,

પૂછું છું હર મકાન પર : કોનું મકાન છે?

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,

આવી શકે તો આવ, ખાલી મકાન છે.

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,

કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં;

નુકસાનમાં છે કે એનું મકાન છે.

કોને ખબર દિલ, કે ક્યારે ધસી પડે;

દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.

એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,

જીવન અમરનું એટલું ઊંચું મકાન છે.

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ