mane e ja samjatun nathi - Ghazals | RekhtaGujarati

મને એ જ સમજાતું નથી...

mane e ja samjatun nathi

કરસનદાસ માણેક કરસનદાસ માણેક
મને એ જ સમજાતું નથી...
કરસનદાસ માણેક

મને સમજાતું નથી કે આવું શાને થાય છે :

ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,

તે રણમાં ધૂમ મુશળધાર વરસી જાય છે!

ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર:

ને ગગનચુમ્બી મહાલો જનસૂના રહી જાય છે!

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:

લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે!

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,

ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે!

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું :

ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007