dishao phari gai! - Ghazals | RekhtaGujarati

દિશાઓ ફરી ગઈ!

dishao phari gai!

ગની દહીંવાલા ગની દહીંવાલા
દિશાઓ ફરી ગઈ!
ગની દહીંવાલા

તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,

સળગી ગયા પતંગ ને જ્યોતિ ઠરી ગઈ.

મારા દિવસ ને રાત તે દૃષ્ટિ છે આપની,

મુજ પર કદી ઠરી, કદી મુજથી ફરી ગઈ.

શ્રદ્ધા મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,

રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ!

હો કોટી ધન્યવાદ વહાલી જિંદગી!

આવી વિકટ સફરને તું પૂરી કરી ગઈ.

મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,

દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.

જીવી ગયો તમારી મહોબ્બતને આશરે,

જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ.

છે મારુ દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,

ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981