sobat - Ghazals | RekhtaGujarati

કંઈક વિફળતા, કંઈક મુસીબત, એક ગઝલ;

રાખે છે કેવી સોબત એક ગઝલ.

એક તરફ સુક્કાં ને ત્યાં લીલાં તરણાં,

બન્ને પલ્લાંનો છે તફાવત એક ગઝલ.

ના! નહિ ચાલે શાહીનાં જાડાં ડબકાં,

માગે છે બારીક ઈબારત એક ગઝલ.

ઓછું બોલે, દિલ ના ખોલે સૌ પાસે,

કાન ધરો તો કહેશે અલબત એક ગઝલ.

એક ઇશારો દેશે ને ચૂપ થઈ જાશે,

ફોડ નહીં પાડે કંઈ બાબત એક ગઝલ.

એણે માગ્યો હોત ખુલાસો તો પણ શું?

હું યે આપીને તો આપત એક ગઝલ.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999