hun eklo nathi - Ghazals | RekhtaGujarati

હું એકલો નથી

hun eklo nathi

દીપક બારડોલીકર દીપક બારડોલીકર
હું એકલો નથી
દીપક બારડોલીકર

દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી

ને શબ્દનો ઉજાશ છે, હું એકલો નથી

એકાંતનો મોગરો કોળે ગુમાનમાં

એક આગવી સુવાસ છે, હું એકલો નથી

મૂકી ગયું’તું કોઈ ગુલાબો કિતાબમાં

મઘમઘતી કિતાબ છે, હું એકલો નથી

સહરા છે, ઝાંઝવાં છે અને ઊડતો ગુબાર

ને કોઈની તલાશ છે, હું એકલો નથી

વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની

મુઠ્ઠીમાં રૂમાલ છે, હં એકલો નથી

બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી

મનની અતાગ વાવ છે, હું એકલો નથી

‘દીપક’ કોઈના સ્પર્શમાં માણી હતી કદી

ખુશબૂ આસપાસ છે, હું એકલો નથી

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007