haryo bakhiya bhartan bhartan! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હાર્યો બખિયા ભરતાં-ભરતાં!

haryo bakhiya bhartan bhartan!

જમિયત પંડ્યા 'જિગર' જમિયત પંડ્યા 'જિગર'
હાર્યો બખિયા ભરતાં-ભરતાં!
જમિયત પંડ્યા 'જિગર'

જીવી રહ્યો છું મરતાં-મરતાં ઠંડા શ્વાસો ભરતાં-ભરતાં,

મરતાં-મરતાં કોણ નજરને દોરી રહ્યું છે હરતાં-ફરતાં?

આંખો સ્થિર છે દર્શન-ઘેલી છે ચિંતાતુર જીવનનાં,

દિલના ધબકારા જોવાને હાથ મૂકે છે ડરતાં-ડરતાં.

દુઃખથી ટેવાયેલું હૈયું શાંતિ મેળવશે શું કિનારે?

જા મઝધારે પાછો, પાગલ! આવ્યો તેવો તરતાં-તરતાં.

હસતા જખ્મો ના અળસાયા દૂઝતા ઘાવો ના રૂઝાયા,

હાય અભાગી આખું જીવતર હાર્યો બખિયા ભરતાં-ભરતાં.

ગમગીનીનો બોજ ઘટ્યો કાં સૂકો દરિયો શેં જોવાશે?

એવો શો આધાર મળ્યો, દિલ! ઝરણાં થંભ્યા ઝરતાં-ઝરતાં?

ધરતીકંપ થયો કે ફરી ગઈ દર્શનની આનંદ-ધ્રુજારી;

છૂટી ગયું કાં હાથથી, સાકી! હોઠે પ્યાલું ધરતાં-ધરતાં?

માન 'જિગર' પાણી છે જે પાલવને તરબોળ બનાવે,

આંસુ તો તડપ્યા કરે છે પાંપણ પર થંભી થરથરતાં.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4