dilbar malyaa nahin... - Ghazals | RekhtaGujarati

દિલબર મળ્યા નહીં...

dilbar malyaa nahin...

મનહર 'દિલદાર' મનહર 'દિલદાર'
દિલબર મળ્યા નહીં...
મનહર 'દિલદાર'

દિલબર દિલેર કોઈપણ રસભર મળ્યા નહીં,

લ્હાવા, દિલબરીના કો' મનભર મળ્યા નહીં.

વિખૂટા પડેલ હંસોની કીધી તપાસ પણ,

જ્યાં રમી રહ્યા છે, તે સરવર મળ્યાં નહીં.

મન મારીને રહું છું, બીજું શું કરી શકું?

મનમાનતા જીવનમાં કો' અવસર મળ્યા નહીં.

ઓછું દિલે જાણે એવું આવ્યું શું હશે?

ચાલ્યા ગયા પછીથી, જીવનભર મળ્યાં નહીં.

આવી તમારી સ્મૃતિ ના આવ્યાં તમે અરે!

પોપચાં નયનનાં મુજ પલભર મળ્યાં નહીં.

બહુ બહુ મળ્યાં ભલેને, પણ સહેજે મળ્યાં નહીં,

દિલની લગન બૂઝે એવું અકસર મળ્યાં નહીં.

તેથી મયકશોને મયમાં ના મઝા પડી,

વર્ષા તણા ઉમડતા જલધર મળ્યા નહીં.

છે કોણ સારું જગમાં નરસું કોણ કોણ છે?

જોવા જતાં મુજથી તો કો’ બદતર મળ્યાં નહીં.

રાધાનું જોયું દિલ નહિ ને જોયું અહીં તહીં,

આવી રીતે તો કોઈને નટવર મળ્યા નહીં.

'દિલદાર'ને મળવું છે મળશે દિલ મહીં,

ઘરઘર કરી તપાસ પણ ઘરઘર મળ્યાં નહીં.

સ્રોત

  • પુસ્તક : આઠો જામની દિલદારી (દોર બીજો) (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : મનહર 'દિલદાર'
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1998