tun gujratiman jo ‘awo’ kahe chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તું ગુજરાતીમાં જો ‘આવો’ કહે છે

tun gujratiman jo ‘awo’ kahe chhe

અદમ ટંકારવી અદમ ટંકારવી
તું ગુજરાતીમાં જો ‘આવો’ કહે છે
અદમ ટંકારવી

તું ગુજરાતીમાં જો ‘આવો’ કહે છે

તો મારા કાને એક ટૌકો પડે છે

તું ગુજરાતીમાં જો વાતો કરે છે

તો તારા હોઠથી ફૂલો ઝરે છે

લખું છું ભીંત ઉપર નામ તારું

પછી ઓરડો પણ ઝળહળે છે

લખી'તી ગુજરાતીમાં તે ચબરખી

ને એમાંથી હવે કંકુ ખરે છે

અમારા કાનમાં રેડાય અમૃત

તું ગુજરાતી ગઝલ જો ગણગણે છે

ઊડે ગુજરાતી છાપાનો કાગળ

અને આખીય શેરી મઘમઘે છે

મને તો એય લાગે અર્થ ગર્ભિત

તું ગુજરાતીમાં જે લવરી કરે છે

વાંચીને દિવસ સુધરે અમારો

તું ગુજરાતીમાં કાગળ મોકલે છે

છોભીલો પડે ગુજરાતી કક્કો

તું જ્યારે ‘જાવ, નંઈ બોલું' કહે છે

અમ્મીજાન પણ આપે છે ઠપકો

તું ઈંગ્લિશના રવાડે ક્યાં ચડે છે

છીએ હું ને મારી ભાષા એક

ગલત તું એક ને એક બે ગણે છે

જુઓ આકળવિકળ ત્યાં વાણીરાણી

અને અહીંયાં અદમ પણ તરફડે છે

સ્રોત

  • પુસ્તક : ૭૮૬ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 170)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2014