bansidhar hashe - Ghazals | RekhtaGujarati

બંસીધર હશે

bansidhar hashe

જટિલ વ્યાસ જટિલ વ્યાસ
બંસીધર હશે
જટિલ વ્યાસ

જો નથી ધરતી ઉપર તો ક્યાં તમારું ઘર હશે?

એમ તો શેં માનવું કે આભમાં પથ્થર હશે!

ઓળખી શકશો મને આવીશ તો સહેલાઈથી,

તાજ કાંટાનો જગત્-જંજાળનો બિસ્તર હશે!

હો સ્વજન લોભાઈ જા, હો બે-કદર તો દૂર થા,

આટલાં છે બા'ર અશ્રુ, કેટલાં અંદર હશે!

વંચનામય ધ્વનિ આવ્યો, હૃદય થંભી ગયું,

કાં હશે મારું મરણ, કાં એમનાં ઝાંઝર હશે!

ફૂલ માની ભેટવા ચાલ્યો, ગયો વીંધાઈ હું,

ખબર નો'તી કટારો આટલી સુંદર હશે!

પ્રેમનો અર્ણવ ભર્યો દેહની મટકી મહીં,

ઢૂંઢતો એને ફરું છું કોણ કીમિયાગર હશે!

રોજ રંગોળી નવી મારા હૃદયમાં જોઉં છું,

એટલે માનું છું એમાં એમની હરફર હશે!

કુંજ-કુંજે આથડે છે મન હવે રાધા બની,

પૂર્ણ છે વિશ્વાસ એને ક્યાંક બંસીધર હશે!

અંચળો અજ્ઞાનનો ઓઢી ‘જટિલ' રડતું રહ્યું,

બિન્દુએ જાણ્યું નહીં કે સ્વયં સાગર હશે!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4