nayanne bandh rakhine - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નયનને બંધ રાખીને...

nayanne bandh rakhine

બેફામ બેફામ
નયનને બંધ રાખીને...
બેફામ

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે,

તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે.

મને નહિ પણ હતી તમને બેચેની દર્શનની,

પડ્યાં છો એકલાં જ્યારે મેં ત્યારે તમને જોયાં છે.

ઋતુ એક હતી પણ રંગ ન્હોતો આપણો એક જ,

મને સહરાએ જોયો છે, બહારે તમને જોયાં છે.

પરંતુ અર્થ એનો નથી કે રાત વીતી ગઈ,

નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે.

તમે હો કે હો, પડતો નથી કંઈ ફેર દૃષ્ટિમાં,

ઉજાસે જોયાં એમ અંધકારે તમને જોયાં છે.

હવે મારા જીવનમાં કદી ચમકી નહીં શકશે,

કે મારા મુકદ્દરના સિતારે તમને જોયાં છે.

ગણી તમને મંઝિલ એટલા માટે તો ભટકું છું,

હું થાક્યો છું તો એકેએક ઉતારે તમને જોયાં છે.

નિવારણ છો કે કારણ, ના પડી એની ખબર કંઈયે,

ખબર છે કે મનના મૂંઝારે તમને જોયાં છે.

સુરા પીધા પછીની છે મારા ભાનની કક્ષા,

મેં મારા કેફમાં મારા ખુમારે તમને જોયાં છે.

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,

ખુલી આંખે મેં મારા ઘરનાં દ્વારે તમને જોયાં છે.

સ્રોત

  • પુસ્તક : કેટલું થાકી જવું પડ્યું...(ચૂંટેલી ગઝલો) (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2022