ankhDi bhari joyun! - Ghazals | RekhtaGujarati

આંખડી ભરી જોયું!

ankhDi bhari joyun!

નસીમ નસીમ
આંખડી ભરી જોયું!
નસીમ

ઝાકળ અશ્રુ બની ઝરી જોયું!

ફૂલના રૂપમાં ખરી જોયું!

એક મૃગજળ અખિલ સૃષ્ટિ છે;

રજકણે રજકણે ફરી જોયું!

ખાક થઈ જ્યોતે જઈ પતંગ સમે;

પ્રેમના પાવકે ઠરી જોયું!

હું તસ્વીર થઈ ગયો તેની;

ચિત્ર સ્નેહીનું ચીતરી જોયું!

ગુલપ્રભા અલ્પ બિંદુઓથી હતી;

બુલબુલે આંખડી ભરી જોયું!

રંગ–બૂથી ભરી બધી આલમ;

બાહ્ય દર્શનને વીસરી જોયું!

જઈ શક્યો ક્યાં દિગંતને આગે;

લાખ સિંધુ મહીં તરી જોયું!

ચિત્તને ખોલ નવ–જગતને 'નસીમ';

જગતને તે વીસરી જોયું!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942