bhulati premmastini kahani laine aawyo chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભુલાતી પ્રેમમસ્તીની કહાની લઈને આવ્યો છું

bhulati premmastini kahani laine aawyo chhun

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
ભુલાતી પ્રેમમસ્તીની કહાની લઈને આવ્યો છું
અમૃત ઘાયલ

ભુલાતી પ્રેમમસ્તીની કહાની લઈને આવ્યો છું,

કલાપી, બાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું.

કદી ગઝલોય સાંભળવી ઘટે સાહિત્ય-સ્વામીઓ!

નહીં માનો હુંયે રંગીન બાની લઈને આવ્યો છું.

તમોને ભેટ ધરવા ભરજવાની લઈને આવ્યો છું;

મજાના દી અને રાતો મજાની લઈને આવ્યો છું.

ગુલાબી પ્રકૃતિ મન સ્વાભિમાની લઈને આવ્યો છું;

જવાની જોઈએ એવી જવાની લઈને આવ્યો છું.

નજરમાં કેફિયત અંતરવ્યથાની લઈને આવ્યો છું;

ખુમારી ગેરમામૂલી સુરાની લઈને આવ્યો છું

બધાને એમ લાગે છે મરું છું જાણી જોઈને,

કલા એવી કંઈ હું જીવવાની લઈને આવ્યો છું.

કહો તો રોઈ દેખાડું, કહો તો ગાઈ દેખાડું,

નજરમાં બેઉ શક્તિઓ હું છાની લઈને આવ્યો છું.

નથી સંતાપ તો ખૂબી નથી એકેય મારામાં,

મને સંતોષ છે હું ખાનદાની લઈને આવ્યો છું.

પરિચય કોઈથી પણ ખાસ ના સાધી શક્યો છું હું,

મુલાકાત આમ તો સહુ દેવતાની લઈને આવ્યો છું.

સમંદરમાં રહું છું એક રીતે ખુદ સમંદર છું,

પ્રસંગોપાત્ત સૂરત બુદબુદાની લઈને આવ્યો છું.

મને ડર છે કહીં બરબાદ ના જીવન કરી નાખે,

કે હુંયે હાથમાં રેખા કલાની લઈને આવ્યો છું.

સિતારા સાંભળે છે શાન્તચિત્તે રાતભર ‘ઘાયલ’,

ઉદાસ આંખો મહીં એવી કહાની લઈને આવ્યો છું.

સ્રોત

  • પુસ્તક : ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004