આકંઠ શ્વસી જઈયેં!
aakanth shwashi jaiye!
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla

સામાં ય ધસી જઈયેં, આઘાં ય ખસી જઈયેં,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાં ય વસી જઈયેં!
આમે ય વીતવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈયેં!
એકેક કસોટીમાં છે પાર ઊતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એને ય કસી જઈયેં!
આ ફીણ તરંગોના છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઈયેં!
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવું ય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઈયેં!



સ્રોત
- પુસ્તક : લઘુ ગઝલસંહિતા (પૃષ્ઠ ક્રમાંક 52)
- સર્જક : રાજેન્દ્ર શુક્લ
- સંપાદક : અનિરુદ્ધસિંહ ગોહિલ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2022