sankalto nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાંકળતો નથી

sankalto nathi

મનહરલાલ ચોક્સી મનહરલાલ ચોક્સી
સાંકળતો નથી
મનહરલાલ ચોક્સી

આપની પાની ઉપર આજે કાં અળતો નથી?

રંગ તૂટેલા હૃદયનો રોજ કૈં મળતો નથી!

દુશ્મનોની સૌ શિખામણ સાંભળું છું ધ્યાનથી,

વાત હું ક્યારેય મારા દિલની સાંભળતો નથી.

દર્દ એનાં પ્રેમનાં ભેટ દઈ દે છે મને,

હું કદી સામે જઈને એમને મળતો નથી.

શ્વાસ તો ચાલી રહ્યા છે, હા, જુદાઈ-કાળમાં,

તેલ મળતું હોય છે પણ દીપ ઝળહળતો નથી.

દિલની ધડકન એકધારી કેમ વધતી જાય છે?

એમની કંઈ ભાળ કાઢો - આજ વિહ્વળ તો નથી?

કેમ એકલતા મને પીડી રહે છે શું કહું?

એમ લાગે છે કે દુનિયાથી હું આગળ તો નથી?

હું બહુ બદનામ છું, ‘મનહર’, ખબર છે એટલે,

એમને હું મુજ કથામાં ક્યાંય સાંકળતો નથી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 177)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4