phunko nahi! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફૂંકો નહી!

phunko nahi!

અંબાલાલ ડાયર અંબાલાલ ડાયર
ફૂંકો નહી!
અંબાલાલ ડાયર

રાખમાં ઢંકાયેલો અંગાર છે ફૂંકો નહીં!

દીપમાં પણ સૂર્યનો અણસાર છે ફૂંકો નહીં!

દર્દ, ગમ, ઉદ્વેગ, તડપન, આહ ને અસ્વસ્થતા;

પ્યારનો પરિવાર પારાવાર છે ફૂંકો નહીં!

ઘાવ ઝીલી ઘાવ પર ટેવાઈ જાય છે હૃદય,

દર્દ અકસર દર્દનો ઉપચાર છે ફૂંકો નહીં!

ઓલવાઈ જાય એવી દીપની શીખા નથી,

સપ્તરંગી રત્ન પાણીદાર છે ફૂંકો નહી!

ફૂંકવાથી તે સળગશે બેવડા આવેગથી,

આગ છે દિલ, આગથી વ્યવહાર છે ફૂંકો નહી!

ફૂંકનારા ભસ્મ થૈને સાવ ફૂંકાઈ જશે!

ઉષ્ણતાના રાખમાં ખુમાર છે ફૂંકો નહીં!

આંખથી વહેતા ઝરણાનાં નીર બાળી નાંખશે,

આગ ઝરતી અશ્રુઓની ધાર છે ફૂંકો નહીં!

તૃણની માફક નહીં ઉડી શકે ફૂંકથી,

જિંદગી આંધી ઉપર અસવાર છે ફૂંકો નહીં!

થૈ વિષમ વંટોળ ઘૂમે ઈન્કીલાબી વાયરો,

તે છતાં પ્હાડ નો અવતાર છે ફૂંકો નહીં!

સ્રોત

  • પુસ્તક : નજાકત (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : અંબાલાલ ડાયર
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1988