ankhthi tapakyun awash, te aansu howun joie - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંખથી ટપક્યું અવશ, તે આંસુ હોવું જોઈએ

ankhthi tapakyun awash, te aansu howun joie

રઈશ મનીઆર રઈશ મનીઆર
આંખથી ટપક્યું અવશ, તે આંસુ હોવું જોઈએ
રઈશ મનીઆર

આંખથી ટપક્યું અવશ, તે આંસુ હોવું જોઈએ

કૈંક ભીતર દર્દ તો સચવાયું હોવું જોઈએ

મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે?

દોસ્ત! સૌનું પોતીકું અજવાળું હોવું જોઈએ

એક માણસ સાદ પાડે, સાંભળી સૌ કોઈ શકે

વિશ્વ આખું એટલું, બસ, નાનું હોવું જોઈએ

મોત-સરખું દુ:ખ પડે તો કોઇ કંઈ મરતું નથી,

મોત માટે ભાગ્યમાં મરવાનું હોવું જોઈએ

મારે સરનામે મળ્યું છે, મારી વિગત કંઈ નથી;

જિંદગી, પરબીડિયું, બીજાનું હોવું જોઈએ

આજે સૂરજ લાલ લથપથ થઈ બુઝાયો છે ‘રઈશ’,

આજના અંધારનું મોં કાળું હોવું જોઈએ

સ્રોત

  • પુસ્તક : શબ્દ મારા સ્વભાવમાં જ નથી (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : રઈશ મનીઆર
  • પ્રકાશક : વિશાલ પ્રકાશન
  • વર્ષ : 1998