Dankhe chhe dilne kewi ek akshar kahya wina - Ghazals | RekhtaGujarati

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના

Dankhe chhe dilne kewi ek akshar kahya wina

મરીઝ મરીઝ
ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
મરીઝ

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,

રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.

ઊર્મિ પૃથક્ પૃથક્ છે, કલા છે જુદી જુદી,

સઘળું કહી રહ્યો છું વિધિસર કહ્યા વિના.

લાખો સિતમ ભલે હો, હજારો જુલમ ભલે,

રહેવાય છે ક્યાં આપને દિલબર કહ્યા વિના.

કેવા જગતથી દાદ મેં માગી પ્રકાશની,

હીરાને જે રહે નહીં પથ્થર કહ્યા વિના.

દુનિયાનાં બંધનોની હકીકત છે આટલી,

હું જઈ રહ્યો છું રૂપને સુંદર કહ્યા વિના!

જોયા કરો છો કેમ તમે મારા મૌનને,

શું મેં કશું કહ્યું છે ખરેખર કહ્યા વિના?

સાંભળ, જરાક ધ્યાન દઈ દેહનો અવાજ,

ધસ્તા નથી કદીય અહીં ઘર કહ્યા વિના.

વાત અગર મૌન બને તો જુલમ બને,

ચાલે નહીં જે વાત ઘરેઘર કહ્યા વિના.

દુનિયામાં એને શોધ તું ઇતિહાસમાં જો,

ફરતા રહે છે કંઈક પયમ્બર કહ્યા વિના.

કુરબાનીની પ્રચાર ભૂમિકા ભલે હશે,

તુજ પર થયો છું હું તો નિછાવર, કહ્યા વિના.

તૌબાની શી જરૂર કે મસ્તીમાં ‘મરીઝ',

છૂટી પડે છે હાથથી સાગર કહ્યા વિના.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009