wagar - Ghazals | RekhtaGujarati

ક્યારેક મુઠ્ઠી ધાન તો ક્યારેક ધન વગર;

જીવનને હું જીવી રહ્યો છું લ્યો જીવન વગર.

તારા હૃદયમાં આજ પણ જો ક્યાંક ખોટ છે,

તું હાથ લંબાવી રહ્યો છે રોજ મન વગર.

સરખામણી નાહક કરે તું ફૂલ-થોરની,

તું કાળજી સાથે રહ્યો ને હું જતન વગર.

જીવન હતું ત્યારેય પણ વસ્ત્રો મળ્યાં નહીં,

આખર સમયમાં લાશ પણ રઝળી કફન વગર.

જ્યાં જ્યાં ગયો ત્યાં ગામ છોડીને જવું પડ્યું,

આજેય પણ ‘બેદિલ’ રહે એના વતન વગર.

સ્રોત

  • પુસ્તક : ડાળખીથી સાવ છૂટાં (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : અશોક ચાવડા ‘બેદિલ’
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012