maDdan - Ghazals | RekhtaGujarati

ગલીએ ગલીએ સડતાં મડદાં

કલીઓ આજ મરડતાં મડદાં

ગંધાતાં ખૂણા ને ખાંચાં

રાત પડે અહીં રડતાં મડદાં.

શેરી, સડકો, સાંજ-સવારો

સમશાનો ભડભડતાં મડદાં

મેલાં, ઘેલાં, નાગાંપૂગાં

રાત-અધરાતે જડતાં મડદાં,

ચીસો ઊઠતી મહેફિલ વચ્ચે

દર્દે દાંત કચડતાં મડદાં

ઉપર આરસ ખાંભી ચળકે

નીચે સળવળ સડતાં મડદાં.

પહેરી બુરખા અડખે પડખે

ઢાળી આંખ આથડતાં મડદાં

સ્વર્ગ-નરકની ચર્ચા કરતાં

બજારમાં બાખડતાં મડદાં

ગુલાબ રેશમ અત્તર ધૂપો

તો નગરને નડતાં મડદાં

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981