kyan sudhi - Ghazals | RekhtaGujarati

બોજ હું ઊંચકું ગામનો ક્યાં સુધી?

માનવી હું રહું નામનો ક્યાં સુધી?

અંગ પરના બધા ઘાવ બોલી ઊઠ્યા,

નહિ કરીએ હવે સામનો ક્યાં સુધી?

ખૂનની છે નદી ને તરે છે બધા,

લાવશે અંત સંગ્રામનો ક્યાં સુધી?

ગામને પાદરે ઝૂંપડાંઓ દીધાં,

હોય અન્યાય પણ આમનો ક્યાં સુધી?

વિશ્વ આખું જલાવી દો હક પામવા,

રાખવો ખોફ અંજામનો ક્યાં સુધી?

સ્રોત

  • પુસ્તક : ડાળખીથી સાવ છૂટાં (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સર્જક : અશોક ચાવડા ‘બેદિલ’
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012