ame - Ghazals | RekhtaGujarati

અમે આહ, આંસું, વ્યથાની કથાઓ,

અમે વંધ્ય ચીસો, કથાની વ્યથાઓ.

અમે ફંડફાળા અહીં અંતુલેના

અમે સૂત્ર પ્યારાં: ‘ગરીબી હટાઓ.’

અમે અંધ કેદી, અમે યાતનાઓ,

અમે જિંદગીની કરુણાંતિકાઓ.

અમાસો અમારી બની કાયનાતો,

અમે ક્ષુદ્ર, છાપાના ક્ષુલ્લક બનાવો.

અમે માત્ર પ્યાદાં તમારી લીલાનાં,

અમે પ્રેત, કુંઠા, જૂઠી વાસનાઓ.

અમે તો ‘અનામત’, તમે છો સલામત,

અમે સંગીનોથી વીંધાતી હવાઓ.

અમે તેલ, આટા તણાં માત્ર સ્વપ્નો,

અમે તો અભાવો તણી દાસ્તાંઓ.

અમે ખંડેરોની કજળતી ચિતાઓ,

અમે મહેફિલોની બુઝાતી શમાઓ.

છતાં વાત કાને ધરું હું તમારે,

અમે તો દધીચિ તણાં હાડકાંઓ!

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981