chittman e yuddhni ghatna wagarno thai gayo - Ghazals | RekhtaGujarati

ચિત્તમાં એ યુદ્ધની ઘટના વગરનો થઈ ગયો

chittman e yuddhni ghatna wagarno thai gayo

કિરણસિંહ ચૌહાણ કિરણસિંહ ચૌહાણ
ચિત્તમાં એ યુદ્ધની ઘટના વગરનો થઈ ગયો
કિરણસિંહ ચૌહાણ

ચિત્તમાં એ યુદ્ધની ઘટના વગરનો થઈ ગયો,

હા વગરનો થઈ ગયો ને ના વગરનો થઈ ગયો.

સ્હેજ પણ બોજો નથી ને એક પણ ચિંતા નથી,

જ્યારથી હું નામ-સરનામા વગરનો થઈ ગયો.

એટલો ઊંચે ગયો હું એટલો ઊંચે ગયો,

કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો.

જાત અપરાધી હતી તોયે સજા ન દઈ શક્યો,

બસ પછી હું જાત પર શ્રદ્ધા વગરનો થઈ ગયો.

સાંજને ઇચ્છા મુજબનો અંત ના આપી શક્યો,

હું પ્રણયમાં સાવ મૌલિકતા વગરનો થઈ ગયો.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ