છુપાવીને
chhupavine
અનવર જેતપુરી
Anwar Jetpuri

જગાવીશું જગતને પણ અમે હલચલ મચાવીને
અમે રે’શું હૃદય પટ પર અનોખો રંગ જમાવીને
તમારા ફૂલ જેવા દિલમાં પણ હું એમ બેઠો છું
બિરાજે જેમ ઝાકળ ફૂલ પર મોતી બિછાવીને
સુવાસિત કેમ ન થાએ અનુપમ જિંદગી મારી
ઉમંગો પણ પધારી આશની મેંદી લગાવીને
સબક દેવા મને લાગ્યા હવે ખંડેર ખુદ દિલના
સમજ આવી છે એને પણ મને ખુદને મિટાવીને
ખચિત દીવાનગી મારી વધુ દીપી જશે જગમાં
તમે આવો નહીં સામે હવે કાજલ લગાવીને
ઉષાથી વેર લેવાને પ્રભાકરને જુઓ રજની
ઉઠાવી જાય છે ક્યાં રોજ પાલવમાં છુપાવીને
જગતને એમ લાગ્યું કે નજર નીચી કરી લીધી
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને
મુક્ક્દરનાજ હાથોથી મને તો ઝેર દેવાયું
નહીં સમજણ પડે તમને કરૂં શું હું બતાવીને
હજી ગુજરાતના દિલમાં રહ્યો છું ઘર કરી “અનવર”
ભલે રાજી થઈ જાએ નવી ગઝલો લખાવીને



સ્રોત
- પુસ્તક : મહેરામણ (પૃષ્ઠ ક્રમાંક 61)
- સર્જક : ‘અનવર’ જેતપુરી
- પ્રકાશક : અ૦ સત્તાર ફાજલાણી
- વર્ષ : 1968