નદી-કાંઠે : ૨
nadii-kaanthe : 2
હર્ષદ ચંદારાણા
Harshad Chandarana

ફરી આવી ચડે છે કોઈ પગપાળું નદી-કાંઠે
અને ચારે તરફ અજવાળું અજવાળું નદી-કાંઠે
અને એવું બને કે હોય જળ ત્યાં શિલ્પના રૂપે
અહીં છે પથ્થરોનું રૂપ પાંખાળું નદી-કાંઠે
દિવસભરની મહેનતની તરસનું આ બળદગાડું
હવે આવી રહ્યું છે આમ જળ-ઢાળું નદી-કાંઠે
ઘૂનામાં ધૂબકો મારી દીધો તેં જળપરી પાછળ!
કે જોતું સ્તબ્ધ થઈ ઊભું છે આ નાળું નદી-કાંઠે
છે દરિયો છોકરા જેવો જ નખરાળો નદી-કાંઠે
નદી પણ છોકરી જેવી જ લજ્જાળુ નદી-કાંઠે
('હાથની હોડી'માં પ્રગટ ગઝલગુચ્છમાંથી સાભાર)



સ્રોત
- પુસ્તક : એતદ્ : એપ્રિલ - જૂન ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : કમલ વોરા, કિરીટ દૂધાત
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર