chheDchhaD - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બિન્દુ ઝાકળનાં, કરજો કંઈ સુમનની છેડછાડ;

આંસુઓ શીખી જશે કરતાં નયનની છેડછાડ.

ખૂબ કીધી'તી તમે એના જીવનની છેડછાડ;

લાશને ઢાંકો હવે છોડો કફનની છેડછાડ.

વીતેલા સહુ પ્રસંગોની મજા લેવા ફરી,

મારે ખુદ કરવી પડી મારા મનની છેડછાડ.

કંટકોએ વીફરી પાલવ ચીરી નાખ્યો તુરત,

મેં હજુ કીધી જરા એના સુમનની છેડછાડ.

એમની આદત મુજબ ઠોકર લગાવી કબ્રને,

હું તો સમજ્યો'તો કે છૂટી પ્રિયજનની છેડછાડ.

છે નજીવું કિન્તુ આકાંક્ષા તો 'નાઝિર' જોઈ લો,

આજ રજકણ જાય છે કરવા ગગનની છેડછાડ.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4