chhanyo - Ghazals | RekhtaGujarati

કુહાડી પર નજર પડતાં ગયો’તો થરથરી છાંયો,

છતાંયે ના હટેલો એમના પરથી જરી છાંયો.

બટકણી ડાળ આવી ભાગમાં ત્યાં દોષ કોને દઉં?

જરા પણ સ્પર્શ કરવા જાઉં ત્યાં જાતો ખરી છાંયો.

ગયાં વૃક્ષો ઘણાં સંતાઈ લૂની બીકથી વનમાં,

ખજૂરી એકલી ઊભી રહી રણમાં કરી છાંયો.

ખરીને સાવ સૂકાં થઈ ગયેલાં પાંદડાં વીણી,

કર્યો છે માંડ ભેગો મેં હજી મુઠ્ઠી ભરી છાંયો.

બરાબર માપ લઈને હું ખરીદું છું બપોરે પણ,

નથી પહેરી શકાતો કોઈ ’દિ સાંજે ફરી છાંયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2015 (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2019